* "આરપાર"માંથી (૯ મે, ૨૦૦૫)


ગુજરાતી સાહિત્ય સાથે 'પાવર'નું સમીકરણ બેસાડવાનું, સાહિત્યકારણથી અજાણ અનેક લોકોને અસ્થાને લાગી શકે છે, પણ રઘુવીર ચૌધરીના પરિચયમાં આવનારા લોકો શબ્દ ઉપરાંત શબ્દસાધકના 'પાવર' વિશે પણ કોઇ ભ્રમમાં રહેતા નથી. (અથવા તો, પોતાના હિસાબે અને જોખમે ભ્રમમાં રહી શકે છે.) ગુજરાતી સાહિત્યમાં તે 'એસ્ટાબ્લીશમેન્ટ્'નું પ્રતીક ગણાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મંત્રીપદ રઘુવીર ચૌધરીએ છોડી દીધું હોવા છતાં, એ ગાળાના પ્રભાવે રઘુવીરને છોડ્યા નથી. ફક્ત ગુજરાતી સાહિત્ય પરિષદ જ નહીં, કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં પણ રઘુવીર ચૌધરીનું નામ પડતાં, 'એ કોણ?' એવો સવાલ પૂછાતો નથી. ગુજરાતી અને હિંદી સાહિત્યમાં તેમના લેખન જેટલો જ આદર, તેમના પ્રભાવ પ્રત્યે પ્રગટ કરવામાં આવે છે. જીવનના સાતમા દાયકામાં સહજ એવો, એષણાઓ અધૂરી રહી ગયાનો અસંતોષ કે ધખારા તેમનાં વાણી-વર્તનમાં દેખાતા નથી. એ પણ તેમના પાવરની નિશાની છે.

રઘુવીર ચૌધરીના ટીકાકારો અને પ્રશંસકો પણ એક બાબતે સંમત છેઃ સાહિત્યકારણ રઘુવીર ચૌધરીના પાવરનો એકમાત્ર સ્ત્રોત નથી. દર શનિ-રવિ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે જઈને ખેતી કરવાથી તેમની બેટરી ચાર્જ થઈ જાય છે, જેના પાવરથી આખું અઠવાડિયું રઘુવીર ચૌધરીનો ડાયનેમો કાર્યરત રહે છે.
- "આરપાર"માંથી (૯ મે, ૨૦૦૫)