જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૫) વિજેતા ડૉ. રઘુવીર દલસિંહ ચૌધરી - એક પરિચય

જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૫) વિજેતા રઘુવીર દલસિંહ ચૌધરી, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’ (૫-૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચડી. બી.ડી.આર્ટસ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન, ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત.

રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત ‘અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી – નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

ગુજરાતી સાહિત્ય સાથે 'પાવર'નું સમીકરણ બેસાડવાનું, સાહિત્યકારણથી અજાણ અનેક લોકોને અસ્થાને લાગી શકે છે, પણ રઘુવીર ચૌધરીના પરિચયમાં આવનારા લોકો શબ્દ ઉપરાંત શબ્દસાધકના 'પાવર' વિશે પણ કોઇ ભ્રમમાં રહેતા નથી. (અથવા તો, પોતાના હિસાબે અને જોખમે ભ્રમમાં રહી શકે છે.) ગુજરાતી સાહિત્યમાં તે 'એસ્ટાબ્લીશમેન્ટ્'નું પ્રતીક ગણાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મંત્રીપદ રઘુવીર ચૌધરીએ છોડી દીધું હોવા છતાં, એ ગાળાના પ્રભાવે રઘુવીરને છોડ્યા નથી. ફક્ત ગુજરાતી સાહિત્ય પરિષદ જ નહીં, કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં પણ રઘુવીર ચૌધરીનું નામ પડતાં, 'એ કોણ?' એવો સવાલ પૂછાતો નથી. ગુજરાતી અને હિંદી સાહિત્યમાં તેમના લેખન જેટલો જ આદર, તેમના પ્રભાવ પ્રત્યે પ્રગટ કરવામાં આવે છે. જીવનના સાતમા દાયકામાં સહજ એવો, એષણાઓ અધૂરી રહી ગયાનો અસંતોષ કે ધખારા તેમનાં વાણી-વર્તનમાં દેખાતા નથી. એ પણ તેમના પાવરની નિશાની છે.

રઘુવીર ચૌધરીના ટીકાકારો અને પ્રશંસકો પણ એક બાબતે સંમત છેઃ સાહિત્યકારણ રઘુવીર ચૌધરીના પાવરનો એકમાત્ર સ્ત્રોત નથી. દર શનિ-રવિ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે જઈને ખેતી કરવાથી તેમની બેટરી ચાર્જ થઈ જાય છે, જેના પાવરથી આખું અઠવાડિયું રઘુવીર ચૌધરીનો ડાયનેમો કાર્યરત રહે છે.

સર્જન ક્ષેત્રે, અધ્યાપન ક્ષેત્રે, સાહિત્ય સંસ્થાઓના સૂત્રધાર અને સંયોજક તરીકે તેમણે પ્રભાવી યોગદાન કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં 'રઘુવીર કરે સો હોય' તેવી પ્રચલિત ઉક્તિ તેમની મહત્તા સાબિત કરે છે. ગામડાના ખેડૂતના છોરામાંથી દેશની સીમાઓ વળોટી જનાર સાહિત્યકાર તરીકે ખ્યાતિ મેળવ્યા છતાં માટી સાથેનો સંબંધ અકબંધ રાખનાર આખાબોલા અને સાચાબોલા જણ.

સંદર્ભ સૂચિઃ

- ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ
- "આરપાર"(૯ મે, ૨૦૦૫)
- દિવ્ય ભાસ્કર ગુજરાત ટોપ પાવર લિસ્ટ ૨૦૦૫-'૦૬

No comments:

Post a Comment